અમારા વિશે

રાષ્ટ્રીય અનુવાદ મિશન (એન.ટી.એમ.) ભારત સરકારની એક પરિયોજના છે. જેનો ઉદ્દેશ્ય અનુવાદને એક વ્યવસાયિક રૂપમાં સ્થાપવો તેમજ અનુવાદનાં માધ્યમથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ભારતીય ભાષાઓમાં ઉચ્ચ શિક્ષણનાં પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરાવવાનો છે. આ પરિયોજનાનો દૂરવર્તી ધ્યેય ભાષા-વિષયક અવરોધોને દૂર કરી એક જ્ઞાનવર્તી સમાજની રચના કરવાનો છે. એન.ટી.એમ. નો ઉદ્દેશ્ય અનુવાદનાં માધ્યમથી ભારતીય સંવિધાનની આઠમી અનુસૂચિમાં સમાવિષ્ટ તમામ ભારતીય ભાષાઓમાં જ્ઞાનનો પ્રસાર-પ્રચાર કરવાનો છે.

અનુવાદકોને પ્રવૃત કરવા, પ્રકાશકોને અનુવાદિત પુસ્તકો પ્રકાશિત કરવા પ્રોત્સાહન આપવા, ભારતીય ભાષાઓમાં અને ભારતીય ભાષાઓમાંથી પ્રકાશિત થયેલા અનુવાદોનો ડેટાબેઝ જાળવવા અને અનુવાદ સંબંધિત માહિતીનું એક ક્લિયરીંગ હાઉસ બની શકે તે માટે સંયુક્ત પ્રયત્નો કરવામાં આવ્યા છે. આ પ્રયાસોના માધ્યમથી એન.ટી.એમ. અનુવાદને ભારતમાં એક ઉદ્યોગ તરીકે સ્થાપિત કરવા માંગે છે. આમ, અનુવાદના માધ્યમથી નવી તક્‌નિકી શબ્દાવલી તેમજ પરિભાષાઓનાં વિકાસ થકી ભાષાઓનું આધુનિકીકરણ સુગમ બનાવી શકાય. 2 આધુનિકીકરણની આ પ્રક્રિયામાં, ખાસ કરીને, ભારતીય ભાષાઓમાં મુખ્યત્વે શૈક્ષણિક સંવાદનાં નવીનીકરણની પ્રક્રિયામાં અનુવાદકોની મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે.

અનુવાદને વ્યાવસાયિક રૂપમા સ્થાપિત કરવાનું લક્ષ્ય હાંસલ કરવાની દિશામાં પાઠ્ય પુસ્તકોનો અનુવાદ એ પ્રારંભિક સોપાન છે. એ બધી જ પાઠ્ય સામગ્રી કે જે જ્ઞાનનાં પ્રસારમાં ઉપયોગી બને છે, રાષ્ટ્રીય અનુવાદ મિશન તેને પાઠ્ય પુસ્તકો માને છે. હાલમાં એન.ટી.એમ. ઉચ્ચ શિક્ષા સંબંધિત તમામ શૈક્ષણિક સામગ્રીનો 22 ભારતીય ભાષાઓમાં અનુવાદ કરી રહ્યું છે. ઉચ્ચ શિક્ષણના પુસ્તકો જે મહદ્અંશે અંગ્રેજીમાં જ ઉપલબ્ધ હોય છે, તેમનો ભારતીય ભાષાઓમાં અનુવાદ કરીને જ્ઞાનનો વિશાળ ભંડાર ખુલ્લો મુકવાનો એન.ટી.એમ.નો ઉદ્દેશ્ય છે. આશા છે કે આ પ્રક્રિયા અંતતઃ એક સંકલિત જ્ઞાનવર્તી સમાજનું નિર્માણ કરવાની કેડી કંડારશે.