મહત્વના કાર્યક્રમો

નેશનલ ટ્રાન્સલેશન મિશન વર્કશોપ, સેમીનાર અને ઓરિએન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરે છે, જેના અમુક હેતુઓ અનુવાદ શિક્ષણની ચર્ચાને સરળ બનાવવી, ભારતીય ભાષાઓમાં પ્રવર્તમાન અનુવાદિત જ્ઞાનના પુસ્તકોનું મૂલ્યાંકન કરવું, નવા અનુવાદકોને તાલીમ આપવી, માહિતીનો પ્રચાર-પ્રસાર કરવો વગેરે છે. એન.ટી.એમ. દ્વારા વિદ્વાનો, અનુવાદકો, નિષ્ણાતો અને પ્રકાશકોને આવા કાર્યક્રમો(ઈવેન્ટ)માં ભાગ લેવા અને એકબીજા સાથે વાતચીત કરવા આમંત્રણ આપવામાં આવે છે
 

વર્કશોપ

એન.ટી.એમ. સંપાદક સહાય જૂથો ના કાર્યો કરવા માટે વર્કશોપનું આયોજન કરે છે, આ જૂથનું મુખ્ય કાર્ય દરેક વિદ્યાશાખાઓ માટે 22 ભાષાઓમાં ‘વિષય વિશિષ્ટ શબ્દાવલી’ તૈયાર કરવાનું છે. પુસ્તકનું અનુવાદ થયા પછી, દરેક ભાષાના સંપાદક સહાય જૂથના નિષ્ણાતો અથવા સંપાદક સહાય જૂથ દ્વારા સૂચવાયેલા નિષ્ણાતો અનુવાદની/હસ્તપ્રતોની સમીક્ષા કરવા અને અનુવાદકોને માર્ગદર્શન આપવા માટે માટે વર્કશોપમાં મળી શકે છે.
 

સેમીનાર

રાષ્ટ્રીય અનુવાદ મિશન અનુવાદને લગતા શૈક્ષણિક આદાન-પ્રદાનને પ્રોત્સાહિત કરવા માટે સેમીનારનું આયોજન કરે છે. આ સેમીનારોમાં પ્રસ્તુત થયેલ શૈક્ષણિક લેખોની સમીક્ષા કરવામાં આવે છે અને આર્કાઈવ કરવામાં આવે છે. તેમાંથી અમૂક લેખો એન.ટી.એમ.ના દ્વિવાર્ષિક સામયિક(જર્નલ) - ટ્રાન્સલેશન ટુડેમાં પ્રસ્તુત કરવામાં આવે છે. આ સેમિનારો એન.ટી.એમ.ને અનુવાદ ઉપર શૈક્ષણિક ચર્ચાઓનું આર્કાઈવ બનાવવામાં મદદ કરે છે જે પાછળથી અનુવાદ અભ્યાસ અને સંલગ્ન શાખાઓમાં રસ ધરાવતા લોકો (ખાસ કરીને વિદ્યાર્થીઓ અને સંશોધન વિદ્વાનો) ને મદદરૂપ થઈ શકે છે.
 

ઓરિએન્ટેશન કાર્યક્રમો

રાષ્ટ્રીય નુવાદ મિશન સહભાગીઓને અનુવાદ, અનુવાદ સિદ્ધાંતો, પાઠ્યપુસ્તકોના અનુવાદ સાથે સંકળાયેલ વિવિધ મુદ્દાઓ, અનુવાદના વિવિધ સાધનો નો પરિચય કરાવવા અને તેઓને સંભવિત અનુવાદક તરીકે તૈયાર કરવા માટે વિવિધ ભાષાઓમાં ઓરિએન્ટેશન કાર્યક્રમોનું આયોજન કરે છે. વિવિધ કોલેજો અને યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ અને સંશોધન વિદ્વાનો સહભાગીઓ તરીકે સામેલ થાય છે. તેઓ વિવિધ ભાષાકીય પૃષ્ઠભૂમિ અને વિવિધ શાખાઓમાંથી આવે છે. કોલેજ અને શાળાના શિક્ષકો, ફ્રીલાન્સ અનુવાદકો અને વિવિધ વ્યવસાયના લોકો પણ આ કાર્યક્રમોમાં ભાગ લે છે. નેશનલ રજીસ્ટર ઓફ ટ્રાન્સલેટર્સમાંથી પણ સહભાગીઓ પસંદ કરી શકાય છે.

આ કાર્યક્રમમાં આમંત્રિત નિષ્ણાતો અનુવાદના અભ્યાસ અને સંલગ્ન શાખાઓ માંથી આવે છે અને/અથવા ભારતીય ભાષાના લેખકો હોય છે જેઓ ભારતીય ભાષાઓમાં પાઠ્યપુસ્તકો નિયમિત લખે છે. જ્ઞાનના પુસ્તકોનો અનુવાદ કરનાર નિષ્ણાતો અને ભારતની વિવિધ ભાષાઓમાં તકનીકી પરિભાષાના વિકાસ સાથે સંકળાયેલ વ્યક્તિઓ પણ એન.ટી.એમ. ના સંસાધન વ્યક્તિ તરીકે કાર્ય કરી શકે છે.
 

અન્ય કાર્યક્રમો

એન.ટી.એમ. પોતાની પ્રવૃત્તિઓ અંગે જાગૃતિ ફેલાવવા દેશભરમાં યોજાતા પુસ્તક મેળાઓમાં ભાગ લે છે. અનુવાદિત પુસ્તકો જયારે પણ પ્રકાશિત થશે, ત્યારે એન.ટી.એમ. પ્રમોશનલ ઈવેન્ટનું આયોજન કરશે જેમાં લેખકોની મીટિંગ, અનુવાદકોની મીટિંગ વગેરેનું આયોજન થઈ શકે છે.