આરંભ

રાષ્ટ્રીય અનુવાદ મિશન (એન.ટી.એમ) નો મૂળ વિચાર ભારતનાં પ્રધાનમંત્રી ડૉ.મનમોહન સિંઘે કર્યો. રાષ્ટ્રીય જ્ઞાન આયોગ (એન.કે.સી) ની પ્રથમ બેઠકમાં એમણે કહ્યું કે જ્ઞાનનાં મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં પહોંયવા માટે તેમજ નિરંતર કેળવણી તથા શિક્ષણમાં લોકોની ભાગીદારીને વ્યાપક તેમજ સશક્ત બનાવવા માટે અનુવાદિત સામગ્રી અત્યંત આવશ્યક છે. શ્રી સેમ પિત્રોડાની અધ્યક્ષતામાં આયોગે આ સૂચનની નોંધ કરી અને ભારતીય શિક્ષણ વ્યવસ્થાને મજબૂત કરવા માટે અનુવાદને પ્રોત્સાહિત તથા ઉન્નત કરવા એક અલગ સંસ્થા કે મિશનની તાત્કાલિક જરૂરિયાત અનુભવી.

એ ખરું છે કે ભારતમાં અનુવાદ એક પરંપરા રહી છે, પરંતુ દેશમાં અનુવાદની ગતિવિધિઓમાં રહેલી અસમાનતા - વિષયો, ભાષાઓ તેમજ ગુણવતા, વિતરણ અને પહોંચની અસમાનતા - ને લીધે આ મહત્વપૂર્ણ ક્ષેત્રમાં અસરકારક જાહેર હસ્તક્ષેપની જરૂરિયાત ઉત્પન્ન થઈ. અનુવાદની પ્રવૃત્તિઓ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગાર પ્રદાન કરી શકે છે, જે શિક્ષિત બેરોજગારોને અન્ય લોકોની સેવા(મદદ) કરવાની સાથે સાથે પોતાની માટે એક લાભદાયી વ્યવસાય અપનાવવા પ્રોત્સાહિત કરે છે.

અનુવાદ તેમજ માનવ સંસાધન વિકાસનાં માધ્યમથી એક જાગૃત, જ્ઞાનવર્તી સમાજની રચના કરવા માટે રાષ્ટ્રીય જ્ઞાન આયોગ (એને.કે.સી.) દ્વારા ડૉ. જયતી ઘોષની અધ્યક્ષતામાં એક કાર્યકારી જૂથની રચના કરવામાં આવી. આ જૂથ અનુવાદ ક્ષેત્રે કામ કરતી વિવિધ એજન્સીઓ અને અનુવાદની ગતિવિધિઓ, અનુવાદના વિકાસ, પ્રકાશન તથા પ્રસારણ સાથે સંલગ્ન લોકોને એક મંચ પર લાવશે. આ કાર્યકારી જૂથમાં સંબંધિત સરકારી અને અર્ધસરકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ શિક્ષણ સાથે સંકળાયેલા લોકો, ભાષાશાસ્ત્રીઓ, અનુવાદકો, કેળવણીકારો,પ્રકાશકો અને ભારતમાં અનુવાદની પ્રવૃતિઓ સાથે સંકળાયેલા અન્ય લોકોનો પણ સમાવેશ કરવામાં આવેલો હતો. આ જૂથની ફેબ્રુઆરી 2006માં દિલ્હીમાં યોજાયેલી પ્રથમ બેઠકમાં સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયન લેંગ્વેજિસ (ભારતીય ભાષા સંસ્થાન)ના તત્કાલીન નિયામક પ્રા. ઉદયનારાયણ સિંઘ દ્વારા આ પરિયોજનાની મુખ્ય રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી.